નમ્ર છોકરો:
એક વાર એક ડોશી બસમાં ચઢી. બસમાં ભારે ગર્દી જોઈને તે ઊભી રહી. તેને જોઈને એક છોકરો નમ્રતાપૂર્વક ઊભો થયો અને ડોશીને કહ્યું,
“બેસો, ડોશીબા.”
પણ ડોશીએ કહ્યું,
“બેસ રે છોકરા, બેસી જા,”
અને છોકરાને જ બેસાડી દીધો.
આવું ચાર–પાંચ વાર બન્યું. અંતે છોકરો ચિડાઈ ગયો અને ડોશીને બોલ્યો,
“શું ડોશીબા, તમે મને મારા ઘરે જવા દેશો કે નહીં? કારણ કે મારા સ્ટોપ બાદ ત્રણ–ચાર સ્ટોપ પસાર થઈ ગયા છે, પરંતુ તમે મને ઉતરવા જ દેતા નથી!”
હોશિયાર દીકરો:
એક વાર એક પતિએ છાપું વાંચતા વાંચતા પત્ની ને કહ્યું,,"અરે સાંભળો છો? અહીં એક નવા સંશોધન વિશે લખ્યું છે. આ સંશોધન પ્રમાણે જે પિતા હોશિયાર હોય, તેનો દીકરો મૂર્ખ નીકળે છે અને જે પિતા મૂર્ખ હોય, તેનો દીકરો હોશિયાર નીકળે છે."
"ચાલો, એક વાત તો પાક્કી થઈ," પત્નીએ કહ્યું.
"શું વાત?" પતિએ પૂછ્યું.
"આપણો મોંટી હોશિયાર નીકળવાનો છે," પત્નીએ જવાબ આપ્યો.
બે રાષ્ટ્રો વચ્ચે લડાઇ:
ગંપૂ અભ્યાસ કરતો હતો. તેણે પપ્પાને પૂછ્યું,
“પપ્પા, બે રાષ્ટ્રો વચ્ચે લડાઈ કેવી રીતે શરૂ થાય છે?”
પપ્પાએ કહ્યું,
“માની લો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે કોઈ મતભેદ થાય…”
મમ્મી વચ્ચે બોલી ઊઠી,
“પણ ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે કોઈ મતભેદ નથી!”
પપ્પા: “અરે, હું તો ફક્ત ઉદાહરણ આપી રહ્યો છું.”
મમ્મી: “તમે ખોટું ઉદાહરણ આપી મારા દીકરાને ભ્રમિત કરો છો.”
પપ્પા: “આમાં કોઈ ભ્રમ નથી. તું જરા ચુપ રહી શકતી નથી?”
મમ્મી: “હું ગલત વાત પર ચુપ નહીં બેસું!”
ગંપૂ બોલ્યો,
“મમ્મી, પપ્પા, બસ કરો! હવે મને સારી રીતે સમજાઈ ગયું કે બે રાષ્ટ્રો વચ્ચે ઝગડો કેવી રીતે શરૂ થાય છે.”
દારૂના દુષ્પરિણામો:
એક વખત એક શિક્ષક વર્ગમાં “દારૂના દુષ્પરિણામો” વિષય પર પાઠ સમજાવી રહ્યા હતા. તેમને પ્રયોગ દ્વારા શીખવવાની પદ્ધતિ પર ખાસ વિશ્વાસ હતો.
તેથી તેમણે ટેબલ પર કાચના બે ગ્લાસ મૂક્યા — એક ગ્લાસમાં સાદું પાણી હતું અને બીજા ગ્લાસમાં દારૂ હતો.
પછી શિક્ષકે બે કીડા લીધા. એક કીડાને પાણી ભરેલા ગ્લાસમાં અને બીજા કીડાને દારૂ ભરેલા ગ્લાસમાં નાખ્યા.
પાણીના ગ્લાસમાં નાખેલો કીડો આરામથી પાણીમાં તરતો રહ્યો, પરંતુ દારૂના ગ્લાસમાં નાખેલો કીડો તડફડાયો અને થોડા જ સમયમાં મરીને નીચે તળીયે બેસી ગયો.
ત્યાર બાદ શિક્ષકે ગણુને પૂછ્યું,
“ગણુ, આમાંથી આપણે શું શીખ મેળવીએ?”
ગણુએ તરત જ જવાબ આપ્યો,
“ગુરૂજી, આમાંથી તો એ શીખ મળે છે કે પેટમાં રહેતા કીડા મારવા દારૂ પીવી ખૂબ જ જરૂરી છે!”
મૂર્ખ કોણ?
એક વખત બે પિતાઓ તેમના દીકરાઓ કેટલા મૂર્ખ છે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા.
પહેલા પિતાએ કહ્યું,
“તે દિવસે મેં મારા દીકરાને એક રૂપિયો આપ્યો અને કહ્યું — ‘જા, બજારમાં જઈને એક ટીવી લઈ આવ.’
અને તે મૂર્ખ ખરેખર બજાર ગયો!”
બીજા પિતાએ કહ્યું,
“આ તો કાંઈ જ નથી. તે દિવસે મેં મારા દીકરાને કહ્યું — ‘જા, પેલા ઓરડામાં જઈને જોઈ આવ કે હું ત્યાં છું કે નહીં.’
અને તે બેવકૂફ ખરેખર જોવા ગયો!”
એ જ સમયે, તે બંને છોકરાઓ પણ તેમના પિતાઓ વિશે વાત કરી રહ્યા હતા.
એક છોકરાએ કહ્યું,
“મારા પપ્પાને પૂરું કામ સમજાવવાની આદત જ નથી. તે દિવસે મને એક રૂપિયો આપીને બજારમાંથી ટીવી લાવવા કહ્યું, પણ સોની કે સેમસંગ — કયું મોડેલ લાવવું તે કહ્યું જ નહીં!”
બીજો છોકરો બોલ્યો,
“મારા પપ્પાને પોતે કામ કરવાની આદત જ નથી. તે દિવસે મને કહ્યું — ‘જા, પેલા ઓરડામાં જઈને જોઈ આવ કે હું ત્યાં છું કે નહીં.’
પણ અમારા ઘરે દરેક ઓરડામાં ટેલિફોન છે! ફોન કરીને પૂછી શકતા ન હતા?”
જીવનમાં ચઢાવ-ઉતાર:
એક વાર બે મિત્રો ઘણા દિવસો પછી મળ્યા.
મિત્ર ૧: કેમ છો ભાઈ? જીવન કેવું ચાલી રહ્યું છે?
મિત્ર ૨: ઠીક છું. જીવન છે તો ચઢાવ-ઉતાર તો આવશે જ.
મિત્ર ૧: કેમ? શું થયું?
મિત્ર ૨: મારા પિતાજી ગુજરી ગયા.
મિત્ર ૧: અરેરે! બહુ ખરાબ થયું.
મિત્ર ૨: પણ તેમણે મારા માટે ઘણી મિલકત છોડી હતી.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ એ મિલકતને આગ લાગી અને બધું બળી ગયું.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ મિલકતનો વીમો કરાવ્યો હતો.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ આગની ખબર સાંભળીને વીમા કંપનીના મેનેજરને હાર્ટ એટેક આવ્યો અને તે મરી ગયો.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ મેં તેની વિધવા પત્ની સાથે લગ્ન કરી લીધા.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ તે સ્વભાવથી ખૂબ જ ખરાબ છે અને વાતે વાતે ઝગડો કરે છે.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ તેના પાસે ઘણાં પૈસા છે.
મિત્ર ૧: બહુ સારું.
મિત્ર ૨: પણ એક દિવસ ઝગડામાં તેણે ઘરને આગ લગાવી દીધી.
મિત્ર ૧: બહુ ખરાબ.
મિત્ર ૨: પણ એ આગમાં તે પોતે જ બળી ગઈ.
છોકરાની પ્રગતિ:
એક વાર એક શાળા નિરીક્ષક તપાસ માટે એક શાળામાં આવ્યા.
તેઓ એક વર્ગમાં બેસીને શિક્ષક સાથે વાતચીત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેમણે શિક્ષકને પૂછ્યું:
“તમારા વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે તમારું શું મત છે?”
શિક્ષકે જવાબ આપ્યો:
“તેમની ઉંમર પ્રમાણે તેમની બહુ સારી પ્રગતિ છે. તેમનો બુદ્ધિઆંક પણ ઘણો ઊંચો છે.”
નિરીક્ષકે એક છોકરાને બોલાવ્યો અને પૂછ્યું:
“બેટા, કહો — એક અને એક કેટલા?”
“ત્રણ.”
“જોયું ને? તેની ઉંમર પ્રમાણે તેનો જવાબ તો સાચા જવાબ સાથે ઘણો મેળ ખાય છે!” શિક્ષકે ગર્વથી ફૂલાઈને કહ્યું.
શિવધનુષ્ય કોણે તોડ્યું?:
એક વાર એક શાળા નિરીક્ષક શાળાની તપાસ કરવા આવ્યા. તેઓ એક વર્ગમાં ગયા અને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો:
“બેટા, બતાવો — શિવધનુષ્ય કોણે તોડ્યું?”
છોકરો બહુ ગભરાઈ ગયો અને તરત જ બોલ્યો:
“મેં નહીં તોડ્યું!”
આ જવાબ સાંભળીને નિરીક્ષકને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે વર્ગશિક્ષકને આ વાત જણાવી.
વર્ગશિક્ષકે શાંતિથી જવાબ આપ્યો:
“સાહેબ, એ છોકરો સાચું બોલે છે. આવું કામ તે ક્યારેય નહીં કરે.”
હવે નિરીક્ષકનો ગુસ્સો વધ્યો. તેઓ સીધા હેડમાસ્ટર પાસે ગયા અને આખી ઘટના કહી.
હેડમાસ્ટરે શાંતિથી વાત સાંભળી અને કહ્યું:
“અમારી શાળાનો નિયમ છે કે કોઈપણ વિદ્યાર્થીએ શાળામાં કીમતી વસ્તુ લાવવી નહીં. છતાં જો કોઈ કીમતી વસ્તુ લાવવામાં આવી હોય અને તે તૂટી જાય, તો તેની જવાબદારી શાળા લેતી નથી.”
સાન્ત્વન:
એક માણસને બે છોકરાઓ હતા. બન્ને મૂર્ખ હતા, અને એ માણસને તેની જાણ હતી.
એક વાર તેના એક સગા ગુજરી ગયા. સાન્ત્વન કરવા જવું જરૂરી હતું, પરંતુ માણસની તબિયત સારી નહોતી. તેથી તેણે બન્ને છોકરાઓને બોલાવીને કહ્યું:
“તમે બન્ને સાન્ત્વન કરવા જઈ આવો.”
છોકરાઓ બોલ્યા:
“પિતાજી, અમે જરૂર જઈશું. પરંતુ અમે ક્યારેય સાન્ત્વન કરવા ગયા નથી. તો શું બોલવું, તે અમને શીખવાડો.”
પિતાએ સમજાવ્યું:
“ત્યાં આજુબાજુના લોકો શું બોલે છે તે સાંભળજો અને તે પ્રમાણે બોલજો.”
છોકરાઓએ કહ્યું:
“તમે ચિંતા ન કરો. અમે સારી રીતે સાન્ત્વન કરી આવશું. તમે આરામ કરો.”
બન્ને ભાઈઓ નીકળી પડ્યા.
નાનો ભાઈ પહેલા પહોંચ્યો. ઘરની બહાર કેટલાક લોકો વાત કરતાં હતાં:
“સારું થયું, ગામ પરની પીડા ટળી.”
નાના ભાઈએ એ સાંભળ્યું. તે અંદર ગયો અને કાકીને કહ્યું:
“કાકી, સારું થયું. ગામ પરની પીડા ટળી.”
આ સાંભળીને મરેલા સગાના છોકરાઓને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે નાના ભાઈને સારી રીતે ધોઈ નાખ્યો અને બહાર કાઢી નાખ્યો.
થોડી વારમાં મોટો ભાઈ ત્યાં આવ્યો. તેને આખી ઘટના સમજાઈ ગઈ. તેણે ગુસ્સે ભરાયેલા છોકરાઓને કહ્યું:
“મારો નાનો ભાઈ મૂર્ખ છે. આગળથી જો તમારા ઘરમાં કોઈ મરે, તો સાન્ત્વન કરવા તેને નહીં મોકલું — હું પોતે એકલોજ આવીશ.”
આ સાંભળતાં જ મરેલા માણસનાં બચ્ચાને વધું ગુસ્સો આવ્યો. તેમણે મોટા ભાઈને પણ માર મારીને હંકાળી દીધો.
બચાવ:
એક વાર એક ખેડૂતે પોતાના પાડોશી પાસેથી એક માટલું ઉછીનું લીધું. માટલું ઘરે લાવ્યા પછી તેના પર એક બિલાડી કૂદી પડી અને માટલાને તડો પડી ગયો.
પાડોશીએ આ બાબતે ગામના ન્યાયાધીશ પાસે ફરિયાદ કરી.
ખેડૂત ગભરાઈ ગયો. સલાહ લેવા માટે તે એક વકીલ પાસે ગયો.
વકીલે પૂછ્યું:
“તમે માટલું લેતા વખતે કોઈ સાક્ષી હાજર હતો?”
ખેડૂતે ના પાડી.
વકીલ બોલ્યો:
“ખૂબ સારું. તમે ત્રણ રીતે તમારો બચાવ કરી શકો છો.”
પછી વકીલે તેને બચાવના ત્રણ રસ્તા સમજાવ્યા.
ન્યાયનો દિવસ આવ્યો. ન્યાયાધીશે ખેડૂત પરનો આરોપ વાંચ્યો અને પૂછ્યું:
“તમને તમારા બચાવમાં શું કહેવું છે?”
ખેડૂતે કહ્યું:
“હા, ન્યાયાધીશ મહારાજ.
એક — મેં માટલું પરત આપ્યું ત્યારે તે સચોટ હતું.
બે — મેં માટલું લીધું ત્યારે જ તેને તડો હતો.
ત્રણ — મેં માટલું લીધું જ નહોતું.”
ન્યાયાધીશે સાંભળી લીધું અને ખેડૂતને દંડ કર્યો.
ખેડૂત બડબડતો બહાર નીકળ્યો:
“આ વકીલ ઠગ છે! લોકો પાસેથી પૈસા લઈને છેતરે છે!”
શ્રેષ્ઠ કોણ — સૂરજ કે ચાંદ?
એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેના છોકરાએ એક દિવસ પોતાની માને પ્રશ્ન પૂછ્યો:
“મા, મારા અભ્યાસમાં પ્રશ્ન છે — શ્રેષ્ઠ કોણ, સૂરજ કે ચાંદ? તમે મને કહેશો?”
માએ કહ્યું:
“બેટા, અભ્યાસની શંકા પિતાજીને પૂછ. તારી મા એટલી શીખેલી નથી.”
સાંજે ખેડૂત ઘરે આવ્યા પછી છોકરાએ એ જ પ્રશ્ન પિતાજીને પૂછ્યો.
ખેડૂત બોલ્યો:
“અમારા સમયમાં અભ્યાસમાં આવા મુશ્કેલ પ્રશ્નો પૂછાતા નહોતા. પણ આપણા ગામના મુખિયા બહુ હોશિયાર છે. હું તેમને પૂછીને તને કહું.”
ખેડૂત મુખિયા પાસે ગયો અને એ જ પ્રશ્ન પૂછ્યો.
મુખિયા થોડા વિચારમાં પડ્યા. તેમણે કહ્યું:
“પ્રશ્ન સામાન્ય નથી, પણ હું બે દિવસમાં જવાબ આપીશ.”
બે દિવસ પછી ખેડૂત ફરી મુખિયા પાસે ગયો.
મુખિયાએ કહ્યું:
“મારા ખ્યાલથી ચાંદ શ્રેષ્ઠ છે. કારણ કે દિવસે તો આપણે જોઈ શકીએ છીએ. એ સમયે પ્રકાશ આપવો કોઈ મોટું કામ નથી. પરંતુ રાત્રે અંધારું હોય છે અને આપણને પ્રકાશની જરૂર પડે છે. ત્યારે ચાંદ આપણને પ્રકાશ આપે છે. તેથી ચાંદ શ્રેષ્ઠ છે.”
ગોપાળરાવનો બસ પ્રવાસ:
એક વાર ગોપાળરાવ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. સાંજનો સમય હતો અને મુસાફરી રાત્રિભરની હતી. થોડું આગળ જઈને આગામી બસ સ્ટોપ પર બગલમાં ગાંઠિયો દબાવીને એક ડોશીમા બસમાં ચઢ્યાં અને ગોપાળરાવની બાજુમાં બેસ્યાં.
રાત થઈ. ડોશીમાએ ગોપાળરાવને કહ્યું:
“બેટા, તું મને આણંદ આવે ત્યારે ઉઠાવજે?”
“હા ડોશીમા, ચોક્કસ ઉઠાવીશ. તમે નિરાંતે સુઈ જાઓ,” ગોપાળરાવે જવાબ આપ્યો.
“તું બહુ સારો છોકરો છે. ઈશ્વર તને હંમેશા સુખી રાખે,” એમ કહીને ડોશીમા ઊંઘી ગયા.
થોડા સમય પછી ગોપાળરાવને પણ ઊંઘ આવી ગઈ અને તે પણ સૂઈ ગયા.
સવાર થઈ ત્યારે ગોપાળરાવની ઊંઘ ખુલ્યાં. ડોશીમા હજુ ઊંઘમાં હતા. ગોપાળરાવ કંડક્ટર પાસે જઈને પૂછે છે:
“ભાઈ, હવે આણંદ આવવામાં કેટલો સમય છે?”
કંડક્ટરે કહ્યું:
“સાહેબ, આણંદ તો ત્રણ કલાક પહેલાં જ નીકળી ગયું! શું તમને ત્યાં ઉતરવાનું હતું?”
આ સાંભળતાં જ ગોપાળરાવના હાથ-પગ ઠંડા પડી ગયા. તેમણે ગભરાઈને કહ્યું:
“ભાઈ, કંઈ પણ કરો, પણ બસ ફરીથી આણંદ લઈ જાવો.”
કંડક્ટર ગુસ્સે બોલ્યો:
“શું વાત કરો છો સાહેબ! બસ મોડી પહોંચશે, લોકો ફરિયાદ કરશે. મારી નોકરી જોખમમાં મૂકી દઉં?”
ગોપાળરાવે વિનંતી કરી:
“ભાઈ, આ મારા જીવન-મરણનો પ્રશ્ન છે. મારો ઉપકાર કરો.”
કંડક્ટરે કહ્યું:
“ડ્રાઇવરને પૂછીને કહું.”
થોડી વારમાં કંડક્ટર પાછો આવ્યો અને બોલ્યો:
“ઠીક છે. તમે અમને બંનેને દસ હજાર રૂપિયા આપો, તો અમે જોખમ લેવા તૈયાર છીએ.”
ગોપાળરાવે ખિસ્સામાંથી પૈસા ભેગા કરીને દસ હજાર રૂપિયા આપ્યા.
“તમારો ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહીં,” એમ કહીને તેઓ પોતાની સીટ પર આવીને બેસી ગયા. ડોશીમા હજુ નસકોરાં બોલાવતા હતા.
થોડી વારમાં બસ ફરીથી આણંદ પહોંચી. ગોપાળરાવે પ્રેમથી ડોશીમાને જગાડ્યા:
“ડોશીમા, ઉઠો, આણંદ આવી ગયું.”
ડોશીમા આંખો ચોળીને જાગ્યા, બારી બહાર જોયું. પછી પોતાની ગાંઠિયાંમાંથી નાનું વાસણ કાઢ્યું, એક ઘૂંટ પાણી પીધું, વાસણ પાછું મૂક્યું અને ફરીથી સૂવા લાગ્યા.
ગોપાળરાવ આશ્ચર્યથી પૂછે છે:
“ડોશીમા, તમને ઉતરવાનું નથી?”
ડોશીમા બોલ્યા:
“ના બેટા, મારે તો ફક્ત પાણી પીવું હતું. તું બહુ સારો છોકરો છે. ઈશ્વર તને સુખી રાખે. હવે મને મહેમદાવાદ આવ્યા પછી ઉઠાવ,'
અને તેઓ ફરીથી સૂઈ ગયા.